પ્રથમ તબક્કામાં કુલ ૨,૯૮૮ લાભાર્થીઓએ મુદલની રકમ પેટે રૂ. ૧૦.૫૭ કરોડની ચૂકવણી કરી : આ લાભાર્થીઓને કુલ રૂ. ૩૯.૫૧ કરોડ જેટલી માતબર રકમની દંડનીય વ્યાજમાફીનો લાભ મળ્યો
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત વિવિધ આવાસ યોજનાઓ જેવી કે, EWS, LIG, MIG, હરીફાઈ (કોમ્પોઝિટ) અને કેશલોન આવાસોના લાભાર્થીઓ માટે મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવાની યોજના મંજૂર કરવામાં આવી હતી.
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત જિલ્લા કક્ષાએ કુલ ૨૨ વસૂલાત કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી કુલ ૨,૯૮૮ લાભાર્થીઓએ મુદલની રકમ પેટે રૂ. ૧૦.૫૭ કરોડની ચૂકવણી કરી છે. આ લાભાર્થીઓને કુલ રૂ. ૩૯.૫૧ કરોડ જેટલી માતબર રકમની દંડનીય વ્યાજમાફીનો લાભ મળ્યો છે અને તમામ લાભાર્થીઓને લોનમુક્તિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
નાગરિકો અને લાભાર્થીઓની સગવડને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા દંડનીય વ્યાજમાફી આપવાની આ યોજનાની મુદત આગામી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવી આપવામાં આવી છે જેનો મહત્તમ લાભ લેવા સંબંધિત લાભાર્થીઓને બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


