૨૦૦૨ના અમેરિકન સેન્ટર હુમલાના મુખ્ય સૂત્રધારના સેલમાંથી ૩૧ હજાર રોકડા મળ્યા : જેલમાંથી વિદેશી આકાઓના સંપર્કમાં હોવાની આશંકા
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : પશ્ચિમ બંગાળની અતિ-સુરક્ષિત ગણાતી કોલકાતાના અલીપુર સ્થિત પ્રેસિડેન્સી સેન્ટ્રલ જેલમાં સુરક્ષા વ્યવસ્થાની મોટી પોલ ખુલી છે. વર્ષ ૨૦૦૨માં કોલકાતાના અમેરિકન ઇન્ફોર્મેશન સેન્ટર પર થયેલા આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર અને આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આતંકવાદી આફતાબ અહેમદ અંસારીના સેલમાંથી તપાસ દરમિયાન ત્રણ આઇફોન, વાઇ-ફાઇ રાઉટર અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
ગુપ્તચર માહિતીના આધારે જેલ વિભાગના અધિકારીઓએ આફતાબ અંસારીની બેરેક (સેલ નંબર ૧૪)માં અચાનક દરોડા પાડીને સઘન તલાશી લીધી હતી. આ દરમિયાન તેના કપડાં અને પથારીની વચ્ચે છુપાવેલા હાઇ-ટેક ઉપકરણો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા સામાનમાં ત્રણ આઇફોન, બે વાઇ-ફાઇ રાઉટર, બે કાર્ડ રીડર, પેન ડ્રાઇવ, ઇયરફોન અને ૫૦૦ રૂપિયાની નોટોના બંડલ સ્વરૂપે કુલ ૩૧,૦૦૦ રૂપિયા રોકડા સામેલ છે. આ ગંભીર મામલે હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આફતાબ જેલની અંદરથી જ બેફામપણે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી રહ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ હવે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે શું તે પાકિસ્તાન સ્થિત તેના જૂના આકાઓ કે સીમા પારના આતંકી નેટવર્ક સાથે સંપર્કમાં હતો કે કેમ.આ ઘટનાએ જેલ તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. ત્રિ-સ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા અને સતત સીસીટીવી કેમેરાની નજર હોવા છતાં આટલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને રોકડ જેલની અંદર કેવી રીતે પહોંચ્યા તે એક મોટો સવાલ છે. પોલીસ હવે એવા જેલ કર્મચારીઓની ઓળખ કરી રહી છે જેમણે પૈસાની લાલચમાં આ આતંકીને સામાન પહોંચાડવામાં મદદ કરી હોવાની શક્યતા છે.


