નાસિકથી આવકમાં ઘટાડો થતાં દેશભરમાં ડુંગળી મોંઘીદાટ બની : નવોપાક ન આવે ત્યાં સુધી રાહતની કોઈ આશા નથી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : પવિત્ર શ્રાવણ મહિનામાં ડુંગળીની માંગ ઘટવા છતાં છૂટક બજારમાં વેપારીઓની નફાખોરી નીતિને કારણે દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે, ખાંડ બાદ ડુંગળીના ભાવ નિયંત્રમાં લેવા સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. નાસિકમાં ડુંગળીના જૂના સ્ટોકની અછતની સીધી અસર હવે બજારોમાં દેખાઈ રહી છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે અને કેટલાક શહેરોમાં તો ડુંગળીની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
દેશમાં તહેવારો સમયે જ ખાંડ, ગોળ અને ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ઉત્તરપ્રદેશના કાનપુરની ચકરપુર યાર્ડમાં ડુંગળીની દૈનિક આવક ૬.૫૦ લાખ કિલોથી ઘટીને ૫ લાખ કિલો થઈ ગઈ છે, જેના કારણે જથ્થાબંધ ભાવ વધીને ૪૨-૪૫ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં જ ડુંગળીના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલમાં મધ્યપ્રદેશના શિવપુરી અને રાજસ્થાનના અલવરમાંથી ટ્રકો દ્વારા મર્યાદિત માત્રામાં જથ્થો આવી રહ્યો છે. બીજી તરફ, આગ્રાની સિકંદરા મંડીમાં નાસિકથી દરરોજ આશરે ૧૫ ટ્રક એટલે કે, ૩ લાખ કિલો આવકને કારણે હાલ જથ્થાબંધ ભાવ ૪૦ રૂપિયા છે, પરંતુ આગામી સપ્તાહે માંગ વધતા ભાવમાં ઉછાળો આવી શકે છે.
ડુંગળીનું મબલખ ઉત્પાદન છતાં ગુજરાતમાં પણ ડુંગળીના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટી વટાવી ગયા છે. દિલ્હી-એનસીઆરના છૂટક બજારમાં ડુંગળી ૫૦થી ૫૫ રૂપિયા અને ખુલ્લા બજારમાં ૬૦થી ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં બે સપ્તાહ પહેલાં ૩૦-૩૫ રૂપિયામાં મળતી ડુંગળી હવે ૭૦-૮૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રાજસ્થાન, ઉત્તરાખંડના દેહરાદૂન, હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો છે. પટના અને રાંચીમાં પણ ગ્રાહકોને ૫૫થી ૬૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે, જ્યારે મધ્યપ્રદેશમાં સામાન્ય ડુંગળી ૪૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. જ્યાં સુધી નવી સિઝનનો પાક બજારમાં આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.


