કોંગ્રેસ અધ્યક્ષની રેલી બાદ મેદાનના કથિત શુદ્ધિકરણને લઈને ભાજપ-આરએસએસ પર નિશાન : દેશમાં અનુસૂચિત જાતિ સાથેના ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ થયેલા કથિત શુદ્ધિકરણને લઈને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કર્યા છે. આ ઘટનાને અસ્પૃશ્યતા સમાન ગણાવતા તેમણે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનો એ જ છૂત-અછૂતની માનસિકતા દર્શાવે છે જેને ભારતીય બંધારણે ગુનો ગણાવ્યો છે.
૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ હલ્દવાનીના રામલીલા મેદાનમાં મલ્લિકાર્જુન ખડગેની વિજય શંખનાદ રેલી યોજાઈ હતી. તેના બે દિવસ બાદ ૧૦ ઓગસ્ટે ‘શ્રી રામ સેના’ નામના સંગઠને ત્યાં હવન અને કથિત ‘શુદ્ધિકરણ’ અનુષ્ઠાન કર્યું હતું. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ખડગે અનુસૂચિત જાતિ સમાજના હોવાને કારણે આ કાર્યક્રમ સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. જોકે, ભાજપે આ આરોપોને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે પાર્ટીને આ આયોજન સાથે કોઈ સંબંધ નથી. સામે પક્ષે, સંબંધિત સંગઠનનો દાવો છે કે કોંગ્રેસની સભામાં વાંધાજનક નારા લાગ્યા હોવાથી રામલીલા મેદાનની ધાર્મિક મર્યાદા જાળવવા આ અનુષ્ઠાન કરાયું હતું. પોતે અપમાનિત થયા હોવાનું જણાવતા ખડગેએ પણ અસ્પૃશ્યતા કાયદા હેઠળ કેસ નોંધી આરોપીઓની ધરપકડની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં હાલ બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે – એક તરફ આંબેડકર અને ગાંધીજીના બંધારણની વિચારધારા છે, જ્યારે બીજી તરફ ભાજપ-આરએસએસની વિચારધારા છે. તેમણે આ ઘટનાને અનુસૂચિત જાતિ સામેના વ્યાપક સામાજિક ભેદભાવ સાથે જોડતા કહ્યું કે આજે પણ કેટલાક વિસ્તારોમાં અનુસૂચિત બાળકો પાસે શાળાઓમાં શૌચાલય સાફ કરાવવામાં આવે છે. ગામડાઓમાં તેમને સાર્વજનિક કૂવામાંથી પાણી લેવાની મનાઈ છે અને ચાની દુકાનો પર તેમના માટે અલગ કપ રખાય છે. ‘શુદ્ધિકરણ’ વાસ્તવમાં અસ્પૃશ્યતાનું જ બીજું સ્વરૂપ છે, જે એવો સંદેશ આપે છે કે અનુસૂચિત જાતિને સ્પર્શ કરવો જોઈએ નહીં.


