ગુજરાત માટે એકવાર ફરી વરસાદી સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે પવન પણ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
અગામી બે દિવસમાં વરસાદનું જોર થોડું ઓસરી શકે છે કારણ કે હાલની સિસ્ટમ નબળી પડી છે. છતાં અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 94 ટકાનો વધુ વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની સક્રિયતા દર્શાવે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 10 જુલાઈ પછી બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ લાવશે.
ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડશે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને અપડેટેડ આગાહી પર નજર રાખવાની સલાહ આપી છે.