સુરતના હીરા ઉદ્યોગમાં ઓનલાઈન પોર્ટલથી કરોડોની છેતરપિંડી આચરનારા બે આરોપીઓને પોલીસની ઈકો સેલ શાખાએ ઝડપી પાડ્યા છે.. ઠગબાજોએ 6 હીરા વેપારીઓ પાસેથી કુલ 4.80 કરોડ રૂપિયાના હીરા મંગાવીને તેનું પેમેન્ટ ન ચૂકવીને મોટી છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ પોતાના સાથીઓ સાથે મળીને અમેરિકાના મોબાઈલ નંબર મેળવી તેના વોટ્સએપ નંબર એક્ટિવ કરીને આરોપીઓએ સુરતના જાણીતા હીરા વેપારીનો સંપર્ક કર્યો હતો અને અમેરિકાની ડાયમંડ કંપનીના ખરીદદાર તરીકેની ઓળખ આપીને હીરાની ખરીદી માટે વેપારીઓને કહ્યું હતું. આરોપીઓએ અમેરિકાની કંપની માટે હીરા જોઈએ છે તેમ કહીને દુબઈ હીરાની ડીલીવરી મંગાવી હતી. આરોપીઓએ હીરાના પેમેન્ટનો સાત દિવસનો વાયદો આપ્યો હતો પરંતુ હીરા મળ્યા બાદ ઠગબાજોએ પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા. પોલીસે હાલ બે આરોપીને ઝડપીને અન્ય આરોપીની તપાસ હાથ ધરી છે.