રાજકોટ | 6 જાન્યુઆરી 2026
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે આતંકી હુમલાની પરિસ્થિતિ સર્જાઈ હતી. કાળી સ્પોર્ટ્સ કારમાં સવાર બની આવેલા હથિયારધારી આતંકીઓ દ્વારા સ્ટેડિયમ પર હુમલો કરાયો હોવાની સ્થિતિ ઉભી થતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.
હુમલાની માહિતી મળતાની સાથે જ ચેતક કમાન્ડો અને રાજકોટ શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સંકલિત અને ઝડપી કાર્યવાહીમાં ગણતરીની મિનિટોમાં જ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. દરમિયાન ત્રણ માળના બિલ્ડિંગને ઘેરી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો પણ તૈનાત રહી હતી. સમગ્ર ઘટનામાં સુરક્ષા એજન્સીઓ વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરની સુરક્ષા માટે પોલીસ અને અન્ય સુરક્ષા દળો સંપૂર્ણપણે સજ્જ છે અને નાગરિકોએ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.


