News:
હળવદઃ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. હળવદના સરકારી આવાસ નજીક આવેલી ગૌશાળા પાસે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં હળવદ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મળતી માહિતી મુજબ ડરાવવાની નीयતથી બંધ રૂમના બારણાં પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફિરોઝ સંધી દ્વારા થોડા દિવસ અગાઉ પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના વેરમાં આ ફાયરિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફરિયાદ મુજબ ટ્રાન્સપોર્ટના ધંધાથી જોડાયેલા મામલે બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે ધાંગધ્રાના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમોને પકડવા માટે તપાસનો દોર તેજ કર્યો છે.


