દુકાન માલિક પ્રકાશબા અને ગંભીરસિંહ પરમાર સામે ડો.મનસુખ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધાયો
(આઝાદ સંદેશ),રાજકોટ : વીંછિયાના પીપરડી ગામના તબીબને ચાલું લોન વાળી દુકાન વેચી દેનાર દંપતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, વીંછિયાના પીપરડી ગામમાં રહેતા તબીબ ડો.મનસુખભાઈ નાગરભાઈ પરમાર (ઉ.વ.33)એ વીંછિયા પોલીસ સ્ટેશનમાં દુકાન માલિક પ્રકાશબા અને ગંભીરસિંહ પરમાર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, હું પરિવાર સાથે રહું છું. મારે સંતાનમા એક દિકરો છે અને ઓમ ડેન્ટલ ક્લીનીક નામે વીંછિયા ખાતે સને 2018 થી ભાડે દુકાન રાખીને ડેન્ટલની પ્રેક્ટીસ કરતો હતો. હું વીંછિયા ખાતે મારી પોતાની માલિકીની દુકાન વેચાતી લેવાનું વિચારતો હતો. આથી મેં મારા પિતા નાગરભાઇને વીંછિયા ખાતે દવાખાનું કરવા સારૂ વેચાતી દુકાન લેવાની વાત કરેલ હતી.
મારા પિતાએ તેમના મિત્ર પરેશભાઇ હીરાભાઈ કાગડા (રહે.વીંછિયા)ને વાત કરતા પરેશભાઇએ, વિંછીયા ખાતે જસદણ રોડ નિર્મળ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ત્રણ દુકાનનો હોલ મારા પિતાને બતાવેલ જે દુકાનો પ્રકાશબા ગંભીરસિંહ પરમાર (રહે.વીંછિયા, શિવાજીપરા ભાદરવાળા મેલડી માતાના મંદીર પાછળ)ની માલિકીની હતી. તે વેચવાની છે તેવી વાત કરતા અમે પરેશભાઈની દુકાને બેઠેક કરેલ હતી. જેમાં ગંભીરસિંહ અભેસીંગ પરમાર તથા તેમના પત્ની પ્રકાશબા ગંભીરસિંહ પરમાર હાજર હતા. ત્યા મારો નાનો ભાઇ ગોવિંદભાઈ તથા મારા પિતા નાગરભાઈ વસ્તાભાઈ પરમારનાઓ હાજર હતા. ત્યારે ગંભીરસિંહ તથા તેમના પત્ની પ્રકાશબાએ દુકાનોની કિંમત રૂ.35 લાખ કહી હતી.
જો કે છેલ્લે 34 લાખમાં સોદો નક્કી કરી તા.13/03/2023 ના રોજ રૂ.17 લાખ સાટાખત પેટે આપેલા હતા. જેનો 300ના સ્ટેમ્પ પેપર ઉપર બાનાખત કરેલ હતો. તા.29/05/2023 ના રોજ દુકાનનો દસ્તાવેજ મારા નામે કરી આપેલ હતો. રૂ.27 લાખ ચૂકવી દેતા દુકાનનો કબ્જો અમને સોંપેલ હતો. વધુમાં ડો.મનસુખભાઈએ જણાવ્યું કે, તા.23/1/2024 ના રોજ કોટક મહિન્દ્રા બેંકની એક નોટીસ મારી દુકાને લગાવવા અધિકારીઓ આવ્યા હતા. આથી આ નોટીસ લઇ હું રાજકોટ તથા અમદાવાદની કોટક મહિન્દ્રા બેંકની શાખામાં તપાસ કરવા ગયો. જ્યાં મને જાણવા મળેલ કે, આ દુકાન ઉપર કુલ રૂ. 27 લાખની લોન બજાજ ફાયનાન્સમાં કરેલ હતી. જેમાં 16,32,277 તથા રૂ.10 લાખની પર્સનલ લોન હતી. આ લોન જય માંડવરાયજી ટાયર્સના નામે જેના કો-ઓપરેટર જયપાલસિંહ પરમાર (રહે.વીંછિયા શિવાજીપરા)એ કરેલ હતી. જેનો હવાલો હાલ કોટક મહિન્દ્રા બેંકે સંભાળેલ હતો. આમ, દુકાન પર આ લોન બાકી હોવા છતાં અમને ન જણાવી, દુકાન અમને વેચી પ્રકાશબા અને ગંભીરસિંહ એ છેતરપીંડી કરી હતી. આથી વીંછિયા પોલીસ સ્ટેશને અરજી કર્યાં બાદ ફરિયાદ નોંધાવી છે. વીંછિયા પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.