રાજકોટ શહેરના બજરંગવાડી શેરી નંબર-7 વિસ્તારમાં રવિવારે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિ પ્રથમ વખત કાર ચલાવી રહ્યો હતો ત્યારે ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચાલકે બ્રેક મારવાના બદલે ભૂલથી એક્સિલેટર પર પગ દબાવી દેતા કાર અચાનક આગળ ધસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નહોતી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનાને લઈને લોકો દ્વારા નવા વાહનચાલકોને પૂરતી તાલીમ અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં બેકાબૂ ટ્રક BRTS બસ સ્ટેશનમાં ઘૂસ્યો, મોટી દુર્ઘટના ટળી
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પુનિતના ટાંકા નજીક રવિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ભારે ટ્રક અચાનક બેકાબૂ બની જતાં સીધો BRTS બસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત સમયે બસ સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનામાં બસ સ્ટેશનના માળખાને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રકને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
રાજકોટના RMC ગ્રાઉન્ડમાં ફરી મારામારી, એક યુવાનને ઈજા; કાયદો-વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલો
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કોઠારીયા રોડ સ્થિત RMC ગ્રાઉન્ડ, જેને બુધવારી બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતી જોવા મળી રહી છે. આ અથડામણ દરમિયાન એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ વારંવાર સામે આવતો રહે છે, જેના કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે મામલાની નોંધ લઈ વીડિયોના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.


