રાજકોટ: વીરપુરના પીઠડીયા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, ૭૭.૭૧ લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના પીઠડીયા ગામ નજીક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જુનાગઢ તરફ લઈ જવાઈ રહેલો દારૂ ભરેલો ટ્રક પોલીસ દ્વારા માર્ગમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસને ૫૭.૧૯ લાખ રૂપિયાના દારૂ અને બિયરની જથ્થા સાથે કુલ ૭૭.૭૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે પીઠડીયા ગામ પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી બિયરના ટીન તેમજ નાની-મોટી કુલ ૧૪,૧૮૪ બોટલો મળી આવી હતી. ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયર ભરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું હતું.
આ સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલક ધોલરામ બિશ્નોઇને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ટ્રક રાજસ્થાનથી દારૂ ભરીને લાવવામાં આવ્યો હતો અને તેનો જુનાગઢ ખાતે કટિંગ કરવાનો પ્લાન હતો. પરંતુ તે પહેલા જ પોલીસની સતર્કતાના કારણે સમગ્ર ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.
પોલીસે દારૂ અને બિયરની બોટલો ઉપરાંત ટ્રક સહિતનો તમામ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ દારૂ રેકેટ પાછળ સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા મોટા જથ્થામાં દારૂ ઝડપાતા ફરી એકવાર ગેરકાયદે દારૂના કારોબાર સામે સવાલો ઉભા થયા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગામી સમયમાં પણ દારૂના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


