રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર હિંસક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં ધોકા, પાઈપ અને લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક તારણ મુજબ આ ઘટના કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિપાર્ક નજીકની હોવાનું જાણવા મળ્યું છે.
વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક લોકો જણાવે છે કે ઝૂંપડા બાંધીને રહેતા કેટલાક લોકો દ્વારા અવારનવાર આવી મારામારી થતી રહે છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
ઘટનાના સમયે રસ્તા પરથી પસાર થતા લોકો થોડીવાર માટે ઉભા રહી ગયા હતા, જેના કારણે અવરજવર પર અસર પડી હતી. જાહેરમાં આ રીતે હિંસા થતા શહેરની કાયદા-વ્યવસ્થાને લઈ પણ સવાલો ઉઠ્યા છે.
વિડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દોષિતોને ઓળખી કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.


