મોરબી | જેતપર ઉપર પીપળી ગામ નજીક ચક્કાજામ
મોરબીના જેતપર ઉપર પીપળી ગામ પાસે આજે સોસાયટીના રહેવાસીઓએ ચક્કાજામ કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. માનસ ધામ, ત્રિલોક ધામ સહિત કુલ ચાર સોસાયટીના લોકોએ એકત્ર થઈ રસ્તો અવરોધી બિલ્ડરો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સોસાયટીમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો કે બિલ્ડરો દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તો, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટ જેવી જરૂરી વ્યવસ્થાઓ હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં રહેવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
રહેવાસીઓએ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં આજે ચક્કાજામનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો.
માહિતી મળતાં ડીવાયએસપી વિરલ દલવાડી અને જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને અધિકારીઓ દ્વારા સોસાયટીના લોકોએ કરેલી રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા અંતે લોકો માન્યા અને ચક્કાજામ ખુલ્લો મુકાયો હતો.


