બ્રેકિંગ | મોરબી : બગથળા ગામ પાસે ટ્રેક્ટર અકસ્માત, પાંચને ઇજા
મોરબી જિલ્લાના બગથળા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બગથળા નજીક આવેલા પુલ પાસેથી એક ટ્રેક્ટર અચાનક નિયંત્રણ ગુમાવી રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું. ત્યારબાદ ટ્રેક્ટર પલટી મારી જતા ડ્રાઇવર સહિત તેમાં સવાર કુલ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેક્ટર બગથળા તરફ જઈ રહ્યું હતું ત્યારે પુલ પાસે પહોંચતા જ અકસ્માત થયો. ટ્રેક્ટર પલટી મારતા આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે વાહનનું સંતુલન બગડવું અથવા પુલ પાસેની રોડ સ્થિતિ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લોકોને પુલ અને માર્ગ પર સાવચેત રહી વાહન ચલાવવાની અપીલ કરી છે


