📰 ઇરાનમાં રાજકીય સંકટ ઘેરું, માર્શલ લો લાગુ
ઈરાનમાં રાજકીય અસ્થિરતા વધુ ગંભીર બની છે. સરકાર દ્વારા દેશમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે. છેલ્લા 18 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેને કારણે સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે.
સરકારના આ નિર્ણય બાદ સુરક્ષા દળોને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ, ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ તેમજ જાહેર એકત્રિત થવા પર રોક લગાવવામાં આવી છે. હિંસા અને તોડફોડની ઘટનાઓને અટકાવવા માટે સૈન્ય અને સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શન સરકારની નીતિઓ સામે જનઆક્રોશ રૂપે સામે આવ્યા છે. અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણની ઘટનાઓ નોંધાઈ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પણ માહિતી મળી રહી છે.
સરકારનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્શલ લો જરૂરી હતો, જ્યારે માનવ અધિકાર સંગઠનો પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હાલ ઈરાનમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને સમગ્ર વિશ્વની નજર ત્યાંની ઘટનાઓ પર ટકી છે.


