રાજકોટમાં થયેલી હત્યા મામલે મૃતક યુવાનના પરિવારજનોમાં ગાઢ રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પિતા પ્રકાશ મકવાણાએ જણાવ્યું મુજબ, યુવાન પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે બહાર ગયો હતો. આ દરમિયાન બાગ નજીક મયુર લઢેર નામના શખ્સ સાથે માથાકૂટની ઘટના બની હતી, જેમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી.
પરિવારજનોએ જણાવ્યું કે મૃતક કપડાના શોરૂમમાં નોકરી કરતો હતો અને કોઈ વિવાદિત સ્વભાવનો નહોતો. તેમ છતાં તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, જેથી પરિવાર પોલીસ પાસે ન્યાય અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે.
પરિવાર તરફથી એ પણ જણાવાયું છે કે આરોપી મયુર લઢેરના વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેથી તેના પર કડક પગલાં લેવામાં આવે, એવી માગણી સામાજિક આગેવાનો દ્વારા પણ કરવામાં આવી રહી છે.


