નવરાત્રિના નવ સ્વરૂપોમાંથી ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમને સર્જક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે માન્યતા મુજબ બ્રહ્માંડની શરૂઆત તેમના દૈવી સ્મિતથી થઈ હતી. “કુ”નો અર્થ નાનું, “ઉષ્મા”નો અર્થ ઊર્જા અને “આંડ”નો અર્થ બ્રહ્માંડ થાય છે. એટલે કે મા કુષ્માંડા એ શક્તિ છે જેઓએ પોતાની અનંત ઊર્જાથી સૃષ્ટિનું સર્જન કર્યું.
મા કુષ્માંડાની આરાધના કરવાથી ભક્તોને અદમ્ય ઊર્જા, આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે. તેઓ શીખવે છે કે જીવનમાં આપણા અંદર રહેલી શક્તિઓને યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. વ્યર્થ કામમાં ઊર્જા ખર્ચવાને બદલે જો આપણે પોતાની શક્તિ યોગ્ય કાર્યોમાં લગાવીએ તો તેનું પરિણામ હંમેશા હકારાત્મક જ મળશે.
આ પાઠને આધુનિક જીવન સાથે જોડીએ તો ઓફિસ કે વ્યવસાયમાં પણ મા કુષ્માંડાનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી છે. આપણે જો આપણા ધ્યાન અને ઊર્જાને યોગ્ય કામમાં કેન્દ્રિત કરીએ, તો સફળતા, પ્રગતિ અને સંતોષ ચોક્કસ પ્રાપ્ત થાય છે.
નવરાત્રિના આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, પુજન-આરાધના કરે છે અને મા કુષ્માંડાની કૃપા મેળવવા માટે પ્રાર્થના કરે છે. દીવા પ્રગટાવવો પ્રકાશ અને ઊર્જાનું પ્રતીક છે, જે આપણને યાદ અપાવે છે કે અંધકારમાં પણ પ્રકાશનો એક કિરણ જીવનને નવી દિશા આપી શકે છે.