ગુજરાતમાં આજે બુધવારે સવારના 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ ગીર સોમનાથના તાલાલા અને ભાવનગરના મહુવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ, જૂનાગઢના મેંદરડામાં સવા બે ઈંચ, અમરેલીન રાજૂલામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
તાપીના ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા, હેઠવાસના 10 ગામને સાવચેત કરાયા
તાપીના ઉકાઇ ડેમમાં પાણીની વિપૂલ માત્રામાં આવક થવા પામી છે. જેના કારણે, ઉકાઈ ડેમના 9 ગેટ મારફતે 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડતાં તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયાં છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતા ડેમના હાઇડ્રો પાવરના ચાર યુનિટની સાથે ડેમના 7 ગેટ 7 ફુટ અને 2 ગેટ 8 ફૂટ ખોલી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ડેમમાં ઉપરવાસથી 1 લાખ 39 હજાર 323 ક્યુસેક પાણી આવક નોંધાઈ છે. ડેમની જળ સપાટી 334.80 ફૂટ પર પહોંચી. ડેમના રૂલ લેવલ 335 ફૂટ નજીક પહોચતા બપોરે બે કલાકથી પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1,38, 230 ક્યુસેક અને હાથનુર ડેમમાંથી 1,43,414 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે.