ગુરુવાર, ડિસેમ્બર 26, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનવાગામમાં પત્ની અને બે પુત્રી ઉપર યુવક કાળ બની ત્રાટક્યો, ત્રણેયને છરીના...

નવાગામમાં પત્ની અને બે પુત્રી ઉપર યુવક કાળ બની ત્રાટક્યો, ત્રણેયને છરીના આડેધડ ઘા ઝીંક્તા લોહીલુહાણ થયા

પતિના ત્રાસથી જશોદાબેન ચાવડા પોતાના સંતાનો સાથે અલગ રહેતા હોય તે પતિ આનંદ ચાવડાને ન ગમતાં આતંક મચાવ્યો’તો : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટમાં પતિના ત્રાસથી કંટાળી એક મહિનાથી તેનાથી અલગ સંતાનો સાથે રહેતી મહિલાના ઘરે ધસી જઇ પતિએ મકાનમાં તોડફોડ કરી હતી. મહિલા પોતાના જૂના ઘરે પહોંચતા પતિએ ત્યાં આતંક મચાવ્યો હતો અને પત્ની તથા બે પુત્રીને છરીના ઘા ઝીંક્યા હતા તેમજ યુવાન પુત્રીના હાથ પર એક્ટિવા ચડાવ્યું હતું. આ અંગે ગુનો નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, શહેરના નવાગામ 56 ક્વાર્ટર્સમાં રહેતા જશોદાબેન દીપક ચાવડા (ઉ.વ.42), તેની બે પુત્રી કંગના (ઉ.વ.18) અને ઇશા (ઉ.વ.15) ને લોહિલુહાણ હાલતમાં સોમવારે મધરાતના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે પૂછપરછ કરતાં મહિલા અને તેની બે પુત્રી પર તેના જ પતિએ છરીથી હુમલો કર્યાનું ખુલ્યું હતું.
જશોદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2001માં દીપક ચાવડા સાથે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન બે પુત્રી અને એક પુત્ર શિવ (ઉ.વ.7) ની પ્રાપ્તિ થઈ હતી. પતિ દીપક ચાવડા લાંબા સમયથી ઘરમાં ધમાલ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી એક મહિનાથી જશોદાબેન બંને પુત્રી અને પુત્ર સાથે નવાગામ 56 ક્વાર્ટર્સમાં રહેવા જતા રહ્યા હતા. જ્યારે પતિ દિપક આનંદ ચાવડા થોરાળાના ગોકુળપરામાં રહે છે.
દરમિયાન સોમવારે રાત્રે એકાદ વાગ્યે જશોદાબેન અને તેના સંતાનો નવાગામમાં પોતાના ઘરે હતા ત્યારે તેનો પતિ દીપક ચાવડા ત્યાં ધસી ગયો હતો અને પત્ની તથા સંતાનો સાથે માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરી નાસી ગયો હતો. જશોદાબેને રાત્રે જ આ અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોતાના સંતાનોને લઈને ગોકુળપરામાં આવેલા પોતાના ઘરે જતા રહ્યા હતા. રાત્રીના ત્રણેક વાગ્યે જશોદાબેન ગોકુળપરામાં તેમના મકાનનો દરવાજો ખોલતા હતા તે વખતે જ પતિ દીપક ચાવડા સ્કૂટર પર ધસી આવ્યો હતો અને પત્ની જશોદાબેનને પાઈપનો ઘા ઝીંકી તમે લોકો પાછા અહીં કેમ આવ્યા તેમ કહી ધમાલ શરૂ કરી હતી.
ત્યારબાદ બેફામ બનેલા દીપકે પોતાની બંને પુત્રી કંગના અને ઈશાને છરીના ઘા ઝીંક્યા હતા. 18 વર્ષની પુત્રી કંગના પર તો દીપક જાણે કાળ બનીને તૂટી પડયો હતો અને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. પિતાએ કરેલા હુમલામાં ઘવાયેલી કંગના નીચે પટકાઈ હતી. દેકારો થતા પાડોશીઓ દોડી આવતા દીપકે પોતાનું સ્કૂટર ચાલુ કર્યું હતું અને રસ્તા પર પટકાયેલી પુત્રી કંગનાના હાથ પર સ્કૂટર ચલાવીને નાસી ગયો હતો. પોલીસે જશોદાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોર દીપક ચાવડાની શોધખોળ શરૂ કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર