(આઝાદ સંદેશ) રાજકોટ : ભારતની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરનારું વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થઈ ગયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું. જોકે આ વખતનું બજેટ કોઈ મોટી જાહેરાત વગરનું હોવાથી શેરબજારમાં પણ પ્રચંડ કડાકાની સ્થિતિ જોવા મળી.
બજેટની મહત્વની જાહેરાતો પર એક નજર :-
નાણાકીય વર્ષ 2026-27માં રાજકોષીય ખાધ 4.3 ટકા રહેવાનો અંદાજ છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર હવે કોઈ આવકવેરો લાગશે નહીં અને ટીડીએસ પણ કપાશે નહીં. વિદેશ પ્રવાસ પેકેજની ખરીદી પર ટીસીએસ દર 5 અને 20 ટકાથી ઘટાડીને માત્ર 2 ટકા કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે હવે આઈટીઆર ફાઈલ કરવા માટે અલગ અલગ સમયમર્યાદા રહેશે. ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડીવિજ્યુઅલ 31 જુલાઈ સુધી રિટર્ન દાખલ કરી શકશે. જોકે નોન ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટે 31 ઓગસ્ટ સુધી રિટર્ન દાખલ કરવા પડશે. શિક્ષણ અને તબીબી હેતુ માટે લિબરાલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળનો ટીસીએસ દર પણ 5% થી ઘટાડીને 2% કરાયો છે. ખેડૂતો માટે બહુભાષી ‘એઆઈ ટૂલ’ લોન્ચ કરવામાં આવશે, જે કૃષિ પ્રવૃત્તિઓમાં મદદરૂપ થશે. દેશમાં સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળને જોડવા માટે સમર્પિત ‘રેર અર્થ કોરિડોર’ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
આરોગ્ય અને આયુષ ક્ષેત્ર:
17 એન્ટી-કેન્સર દવાઓ અને 7 દુર્લભ બીમારીઓની દવાઓને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તર ભારતમાં ‘NIMHANS 2.0’ ની સ્થાપના કરવામાં આવશે. આયુષ ક્ષેત્રમાં ત્રણ નવી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના થશે.
ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતા :
ડેટા અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં ક્લાઉડ કંપનીઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત કરવામાં આવી છે. એમએસએમઈ ક્ષેત્ર માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવશે, જેમાં ઉદ્યોગ-આધારિત સંશોધન અને તાલીમ કેન્દ્રો વિકસાવવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણી પર ભાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રોકાણ વધારવા માટે નવા શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી ટાઉનશિપ અને ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે તેમણે જાહેરાત કરી હતી કે, દેશના દરેક જિલ્લામાં એક કન્યા છાત્રાલય (Girls Hostel) બનાવવામાં આવશે, જેથી દૂરના વિસ્તારોની દીકરીઓ સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે.
રમતગમત અને યુવા કૌશલ્યનો વિકાસ
રમતગમત ક્ષેત્રને માત્ર શારીરિક વિકાસ નહીં પણ રોજગાર અને કૌશલ્ય વર્ધનના માધ્યમ તરીકે જોતા નાણામંત્રીએ ‘ખેલો ઈન્ડિયા મિશન’ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રના પરિવર્તન માટે અને રમતગમતની પ્રતિભાઓના વ્યવસ્થિત ઉછેર માટે આ મિશન અત્યંત નિર્ણાયક સાબિત થશે, જે યુવાનો માટે નોકરીની નવી તકો પણ ઉભી કરશે.
કૃષિ ક્ષેત્રે નારિયેળ અને કાજુ માટે વિશેષ યોજના
નારિયેળના ઉત્પાદનમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા માટે ‘નારિયેળ સંવર્ધન યોજના’ પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ અંતર્ગત મુખ્ય નારિયેળ ઉત્પાદક રાજ્યોમાં બિન-ઉત્પાદક જૂના વૃક્ષોના સ્થાને નવી જાતોના રોપા વાવવામાં આવશે. આ સાથે જ ભારતીય કાજુ અને કોકો માટે એક સમર્પિત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ભારતને કાજુના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મનિર્ભર બનાવી ૨૦૩૦ સુધીમાં ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ‘પ્રીમિયમ બ્રાન્ડ’ બનાવવાનો છે.
મહિલાઓ માટે SHEની જાહેરાત
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ મટો SHE માર્ટની જાહેરાત કરતાં કહ્યું કે આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ કેપ્ટન તરીકે કામ સંભાળશે. લખપતિ દીદીની જેમ સરકારે મહિલાઓને ક્રેડિટ લિંક્સ માર્ટ્સની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના માધ્યમથી ગામડાની મહિલાઓ આજીવિકા રળી શકશે. SHE નો અર્થ સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે.


