ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ દમદાર ઇનિંગ સાથે તેણે ખાસ યાદીમાં સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ શ્રીલંકાના ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની કમાન સ્ટીવ સ્મિથના હાથમાં છે. આ પ્રવાસની પહેલી જ ઇનિંગમાં તે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સ્ટીવ સ્મિથના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સદી સાથે, તેણે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવામાં સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા.
આ મેચમાં કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડ ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સ્ટીવ સ્મિથે ચોથા નંબર પર રમતા કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 179 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 35મી સદી છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં સ્ટીવ સ્મિથની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે 2022માં 145 રન અને 2016માં 119 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે શ્રીલંકામાં 3 સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 47 સદી ફટકારી છે. તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ચોથા ક્રમે આવી ગયો છે. હવે તેનાથી આગળ માત્ર રોહિત શર્મા (48 સદી), જો રૂટ (52 સદી) અને વિરાટ કોહલી (81 સદી) છે.