ભેજાબાજે મુંબઈ આંગડિયા મારફતે નાણાં મેળવી ખરીદનાર બ્રોકર સામે પોલીસમાં અરજી કરી કાર પરત મેળવી : ભાંડો ફૂટતા અંતે ફરિયાદ
(આઝાદ સંદેશ), રાજકોટ : આટકોટના વાહન લે-વેચનાર ધંધાર્થી સાથે રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણે છેતરપિંડી આચરી હતી.સસ્તામાં કાર આપવાની લાલચ આપી ધંધાર્થી પાસેથી રૂ.3 લાખ લઇ કાર આપી હતી. જો કે થોડીવાર બાદ આરોપીઓએ પોલીસમાં અરજી કરી કાર પરત મંગાવી લઇ છેતરપિંડી આચરી હતી.
મળતી માહિતી મુજબ આટકોટમાં રહેતા અને કાર લે-વેચનું કામ કરતાં મુકેશભાઈ કડવાભાઇ વઘાસિયા (ઉ.વ.45)એ રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં રહેતા મીત પૂજારા, તેના પિતા ચંદ્રવદન પૂજારા અને રિંકેશ પટેલના સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છ મહિના પહેલાં તેમના મિત્ર રવિભાઇની બલેનો કાર ઓનલાઇન વેચવા માટે મૂકી હતી જે બાબતે તા.13 માર્ચના તેમને રિંકેશ પટેલનો ફોન આવ્યો હતો અને બલેનો સામે અર્ટિકા ગાડી લેવી હોય તો ઉપરના પૈસા આપી દઈશું, મુકેશભાઇએ ના કહી હતી, થોડીવાર બાદ રિકેંશે ફોન કરી કાર લેવી હોય તો રૂ.3 લાખમાં આપીશ તેમ કહેતા મુકેશભાઇને કાર ખરીદવામાં રસ પડ્યો હતો.થોડીવાર બાદ રિંકેશે ચંદ્રવદન પૂજારાનો મોબાઇલ નંબર મોકલ્યો હતો અને વાતચીત થયા બાદ ચંદ્રવદને કાર જોવા રાજકોટ આવવા કહ્યું હતું.
મુકેશભાઈના મિત્ર સતિષભાઇ બોદરને ખરીદ કરવી હોય મુકેશભાઈ અને તેમના મિત્રો રાજકોટ ચંદ્રવદન પૂજારાના ઘરે કાર જોવા આવ્યા હતા. કાર પસંદ પડતાં મીત અને ચંદ્રવદન પૂજારાએ પેમેન્ટ બાબતે રિંકેશ પટેલ સાથે વાત કરવાનું કહેતા રિંકેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં તેણે મુંબઇ આંગડિયું કરવાનું કહેતા મુકેશભાઇએ જસદણ એચ.એમ.આંગડિયાથી રિંકેશ પટેલે કહ્યું તે મોબાઇલ નંબર પર રૂ.3 લાખ ચૂકવી આપ્યા હતા.રસ્તામાંથી મુકેશભાઇએ રિંકેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો અને તેણે મુકેશભાઇ સાથે અગાઉ વોટસએપમાં કરેલું ચેટિંગ ડિલીટ કરી નાખતાં મુકેશભાઈને શંકા ઉપજી હતી. થોડીવાર બાદ ચંદ્રવદને ફોન કરીને કહ્યું હતું કે, તેને કારના રૂ.3 લાખ મળ્યા નથી અને ચંદ્રવદને મુકેશભાઈ વિરુદ્ધ અરજી કરતાં રાજકોટ પોલીસે ફોન કરતા મુકેશભાઈએ આટકોટ પોલીસ સ્ટેશન મારફત કાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશને મોકલી આપી હતી.જેથી ત્રણેયે મળી કાવતરું રચી છેતરપીંડી કરી હોવાનું જણાઈ આવતા તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.