રાજકોટ અને મોરબી જિલ્લામાં એક જ દિવસે સામે આવેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૌપ્રથમ રાજકોટમાં આંબેડકર જયંતીની રેલી દરમિયાન જાહેરમાં યુવાન-યુવતીઓ ખુલ્લી છરીઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જાહેરમાં હથિયારો સાથે આ પ્રકારનું પ્રદર્શન કાયદાની ખુલ્લી અવગણના ગણાઈ રહ્યું છે અને લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
બીજી તરફ મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વધાસીયા ટોલનાકા પર દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. ગત 8મી તારીખે રાત્રે એક વાહન ચાલકે ટોલ ચૂકવવાના મુદ્દે ઉગ્ર વલણ દાખવી બૂમ બેરિયરને ટક્કર મારી તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, ટોલનાકાના કર્મચારીને થપ્પડ મારી ગાળો અને ધમકીઓ આપવાના આરોપો પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ટોલ મેનેજર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે સંજયસિંહ ઝાલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ સાથે રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં આવેલ હરસિદ્ધિ સોસાયટીમાં ગુંડાતત્ત્વોનો આતંક પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિસ્તારમાં સ્ટંટ કરતા આવારા તત્ત્વોને સ્થાનિકોએ રોકતા તણાવ સર્જાયો હતો. આ દરમિયાન મહિલાઓ સાથે ગેરવર્તન અને ધમકીઓ આપવામાં આવતા પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. પોતાની સુરક્ષા માટે મહિલાઓએ હિંમત દાખવી પથ્થરમારો કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ત્રણેય બનાવોએ મળીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની હકીકત સામે મૂકી છે. એક તરફ જાહેરમાં હથિયારો સાથે ડાન્સ, બીજી તરફ ટોલનાકા પર દાદાગીરી અને ત્રીજી તરફ મહિલાઓને સુરક્ષા માટે જાતે જ વિરોધ કરવો પડે તેવી પરિસ્થિતિ — હવે લોકોની નજર પોલીસ તંત્ર પર ટકી છે કે આ તમામ બનાવોમાં કડક કાર્યવાહી થશે કે નહીં.
રાજકોટ-મોરબીમાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન, ત્રણ અલગ ઘટનાઓએ મચાવી ચકચાર


