રૂ. 25 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા કરદાતાઓનું લિસ્ટ તૈયાર : જાન્યુઆરીના પ્રારંભથી મિલકતો સીલ કરવા કે નળ જોડાણ કાપવા સહિતની ઝુંબેશ
(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાનો રૂ. 410 કરોડનો લક્ષ્યાંક પુરો કરવા માટે રિકવરી અને સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે હજી સંઘ દ્વારકાથી દુર હોય રૂ. 410 કરોડના લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે કે કેમ તે મોટો પ્રશ્ર્ન છે. જેમ જેમ નાણાંકિય વર્ષ પુરૂ થવાના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ રિકવરી ઝુંબેશ આકરી બનાવવાને બદલે ઢીલી પડતી જાય છે. ત્યારે બીજી બાજું હજી 1,68,774 કરદાતાઓનો રૂ.150 કરોડથી વધુનો બાકી વેરો વસુલવા હવે ટીમ મેદાનમાં ઉતરશે. જાન્યુઆરીના પ્રારંભથી જ અલગ અલગ ટીમ બનાવીને આવા મિલકતધારકોની મિલકતો સીલ કરવા અને નળ જોડાણ કાપવા સહિતની સઘન ઝુંબેશનો પ્રારંભ કરાશે.
મહાનગરપાલિકાની આર્થિક કરોડરજ્જુ જેવી મિલકતવેરાનો ટાર્ગેટ પુરો કરવા માટે નાણાંકિય વર્ષની શરૂઆતથી જ ધીમીગતિએ બીલની બજવણી, ડિમાન્ડ નોટિસ સહિતની કામગીરી ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ મહિનાથી જુન મહિના સુધી વેરાવળતર યોજના અમલમાં મુકવામાં આવી હતી. એપ્રિલથી જૂન માસ દરમિયાન 3,29,724 કરદાતાઓએ કુલ રૂ.244.45 કરોડનો વેરો ભરપાઇ ર્ક્યો હતોે. અને મહાનગરપાલિકાએ પ્રમાણિક કરદાતાઓને રૂ.24.12 કરોડનુ વળતર આપ્યું હતું. જો કે ત્યારબાદ રિકવરી અને સિલીંગ ઝુંબેશ ચાલું કરવામાં આવી હોવાછતાં વેરાની આવક ધીમી પડી ગઇ હોય તેમ ડિસેમ્બર પુરો થવા આવ્યો એ છ મહિનાના સમયગાળામાં રૂ.83.58 કરોડનો વેરો પ્રાપ્ત થયો છે.
મહાનગરપાલિકા દ્વારા જે કરદાતાઓના રૂ. 25 હજારથી પાંચ લાખ સુધીનો વેરો બાકી છે તેઓની સામે રિકવરી અને સિલીંગ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે હવે ઇન્કમ ટાર્ગેટ વધારવા જાન્યુઆરી માસથી જે કરદાતાઓનો રૂ. 25 હજાર કે તેનાથી ઓછો વેરો બાકી છે તેઓની સામે રિકવરી અને સિલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. કમિશનરની સુચનાના પગલે રૂ. 25 હજાર સુધીનો વેરો જેઓનો બાકી છે તેવા કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. સુત્રોના કહેવા મુજબ અંદાજે 1,68,774 કરદાતાઓ એવા છે કે જેનો રૂ. 25 હજાર કે તેનાથી ઓછો વેરો બાકી છે. આ બાકી વેરાની રકમ અંદાજે રૂ. 150 કરોડ આઠ લાખ 47 હજાર જેવી છે.
મિલકતવેરાનો રૂ.410 કરોડનો ટાર્ગેટ પુરો કરવા માટે ટેક્સ વિભાગમાં પુરતો સ્ટાફ નથી. અપુરતા સ્ટાફ અને અધુરી સગવડ વચ્ચે પણ આજ સુધીમાં રૂ.328.03 કરોડનો વેરો મેળવ્યો છે. પણ હજી ટાર્ગેટ સુધી પહોંચવા હજી રૂ. 82 કરોડનું છેટું છે. ત્યારે હવે નાના કરદાતાઓેને ટાર્ગેટ બનાવીને લક્ષ્યાંક સુધી પહોચવાનો મરણિયો પ્રયાસ કરાશે. આ ટેકસ વિભાગમા અપુરતો સ્ટાફ હોય મહાનગરપાલિકાની અન્ય શાખાઓમાંથી કર્મચારીઓને હંગામી ધોરણે વેરા વિભાગમાં મુકવામાં આવશે અને રિકવરી સેલને વધુ મજબૂત કરીને વેરા વસુલાતની કામગીરી વધુ સઘન બનાવવામં આવશે.
રોજ એક કરોડથી વધુ રીકવરી થાય તો જ ટાર્ગેટ સુધી પહોંચી શકાય તેમ છે..!
2024નું વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર છ દિવસ છે. એક તરફ ડિસેમ્બર એન્ડ હોવાના કારણે અનેક અધિકારીઓ અને કર્મચારીઓ લેણી રજા સરભર કરવા માટે 31 ડિસેમ્બર સુધી રજા પર ઉતરી ગયા છે. બીજી તરફ ટેક્સ વિભાગ દ્વારા ચાલતી રીકવરી ઝુંબેશ પણ ઢીલી પડી છે. જો આમને આમ ચાલે તો ટેક્સ વિભાગનો સંઘ દ્વારકા પહોંચી શકે તેમ નથી જ . એનું એક કારણ એ છે કે, નવા નાણાંકિય વર્ષ આડે હવે 89 દિવસ જ બાકી રહ્યા છે. એમાં પણ શનિ રવિની રજાઓ, અને જાહેર રજાઓ આવતી હોય ટાર્ગેટ પુરો કરવા માટે 70 દિવસ જ છે. આ મુજબ જો રોજની એક કરોડથી વધુ રકમની રીકવરી થાય તો જ રૂ.410ના ટાર્ગેટ સુધી પહોંચી શકાય તેમ છે. આ સામે હાલમાં રોજીદી રીકવરી 30થી 32 કરોડની જ થાય છે. આમ દૈનિક 70 કરોડની આવક ઓછી થાય છે. ત્યારે હવે ટેક્સ વિભાગમાં હંગામી ધોરણે વધારાનો સ્ટાફ મુકીને જેનો 25 હજાર સુધીની રકમનો વેરો બાકી છે તેવા 1,68,774 કરદાતાઓ પાસેથી રૂ.150 કરોડનો બાકી વેરો વસુલવા ઝુંબેશ શરૂ કરાશે.