શુક્રવાર, ડિસેમ્બર 27, 2024

ઈ-પેપર

શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના વ્યાજખોરે ધ્રોલના ખેડૂત પાસેથી 21 લાખની બદલે વ્યાજ સહિત 30 લાખ...

રાજકોટના વ્યાજખોરે ધ્રોલના ખેડૂત પાસેથી 21 લાખની બદલે વ્યાજ સહિત 30 લાખ વસુલ્યા બાદ પણ વધુ 70 લાખ માંગી કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો

જયસુખભાઇ ભીમાણીએ પોલીસ કમિશનરને અરજી આપતા તપાસ બાદ કુખ્યાત અલ્પેશ દોંગા આણી મંડળી સહિત કુલ પાંચ સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં નાનામવા રોડ પર મની પ્લસ શરાફી મંડળીના નામે વ્યાજખોરીના ધંધા ચલાવતા કુખ્યાત વ્યાજખોર અલ્પેશ ગોપાલભાઈ દોંગાએ સાગરીત રાજકોટના નૈમિષ બાબુભાઈ રામાણી તથા ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના દંપતી નારણ ભરવાડ, પુરી ભરવાડ સાથે મળી ધ્રોલના વાંકીયા ગામના ખેડૂત જયસુખ મોહનભાઈ ભીમાણીની વાંકીયા ગામની કરોડોની કિંમતની જમીન વ્યાજે આપેલા નાણાના બદલામાં વધુ નાણા વસુલી જમીન બારોબાર અન્ય સાગરીતોને દસ્તાવેજ કરી આપ્યાના આરોપસર રાજકોટ તાલુકા પોલીસ મથકે પાંચેય સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ ખેડૂત જયસુખભાઈ ભીમાણીએ નોંધાવેલી ફરિયાદમાં પોતાને ધંધામાં નાણાની જરૂર પડતા મની પ્લસ શરાફી મંડળી ચલાવતા અલ્પેશ પાસેથી તા. 15/7/2022ના રોજ સંપર્ક કરીને 21 લાખ રૂપિયા બે ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં અલ્પેશે તેના સાગરીત નૈમિષ રામાણીના નામે વાંકીયા ગામની અંદાજે 20 વિઘા (2.71.74 હેકટર) જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરાવી લીધો હતો. નાણા પરત આપી દે પછી દસ્તાવેજ ફરી જયસુખના નામે કરી આપવાની શરત સાથે દસ્તાવેજ કરાવ્યો હતો. પેન્ડીંગ દસ્તાવેજમાં સાક્ષી તરીકે જયસુખના બે પુત્રો પ્રશાંત તથા પાર્થે સહીઓ કરી હતી. બાદમાં ત્રણ માસ સુધી વ્યાજ ચુકવ્યું હતું. ત્યાર બાદ વ્યાજ ચુકવી શક્યો ન હતો. એકાદ વર્ષ બાદ અલ્પેશને વ્યાજ અને મુદલની રકમ મળી તા.16/10/ 23ના રોજ 15 લાખ અને તા.19/10/ 23ના રોજ બીજા 15 લાખ મળી 30 લાખ ચુકવ્યા હતા. નાણા આપ્યા તે સમયે બન્ને પુત્રો ઉપરાંત કરશનભાઈ અરજણભાઈ જાવિયા, મહેશભાઈ સંતોકી, રાજેશભાઈ ગડારા અને ભાઈ જેંતીભાઈ મોહનભાઈ ભીમાણી સાથે હતા. નાણા ચુકવી દીધા બાદ પેન્ડીંગ દસ્તાવેજ પોતાના નામે કરી આપવાનું જયસુખે કહેતા દસ્તાવેજની રક્મના 6.51 લાખ આપવા પડશે તેવું લખાણ કર્યું હતું. 6.51 લાખની રકમ આપવા હા પાડી હતી છતાં આરોપી અલ્પેશ અને નૈમિષ દસ્તાવેજ કચેરીએ આવતા નહીં અને અલગ અલગ તારીખો સાથે બહાના બતાવતા હતા. દરમિયાનમાં બન્નેએ એવું કહ્યુંકે જો જમીનનો દસ્તાવેજ પરત કરાવવો હોય તા જમીન પાછી જોઈતી હોય તો હજી 70 લાખ આપવા પડશે નહીં તો જમીન ભૂલી જાજે.
ત્યારબાદ ધ્રોલ બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન ધરાવતા આરોપી ભુરા નાગજી ભરવાડ ગત તા.20/4/24ના રોજ વાડીએ આવ્યો હતો અને મજુરોને ધમકાવ્યા હતા કે, આ જમીન હવે મે લઈ લીધી છે. હવે જમીન પર પગ મુકતા નહીં. ફરી બીજા દિવસે ભુરો ભરવાડ આવ્યો હતો અને જો પગ મુકશો તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. આરોપી મુખ્ય સુત્રધાર અલ્પેશ અને તેના મળતીયાઓ જમીન પચાવી પાડયાનો જ ઈરાદો હોયં તે રીતે અલ્પેશ, નૈમિષે જમીનનો દસ્તાવેજ મોરબીના પુરી ભરવાડના નામે કરી આપ્યો હતો.
જે બાબતે તા.30/6/24ના રોજ ખ્યાલ આવતાની સાથે નૈમિષ તથા અલ્પેશને વાત કરતા બન્નેએ 70 લાખ ચુકવ્યા નથી એટલે જમીનનો દસ્તાવેજ પુરીબેન જીવણભાઈ ભરવાડના નામે કરી આપ્યો છે. બન્ને લોકો અમારા માણસો છે. 70 લાખ આપો તો પાછો દસ્તાવેજ કરાવી દઈએ. ભુરો ભરવાડ ફરી જમીન પર આવતો હતો અને જમીન મારા સગા નારણ ભરવાડે ખરીદી છે અને તેનો દસ્તાવેજ પુરીબેનના નામે કરેલો છે. જમીન ખાલી કરાવવાનો હવાલો નારણભાઈએ મને આપ્યો છે તેમ કહી નારણ ધાકધમકી આપતો હતો. સમગ્ર બનાવ સંદર્ભે જયસુખે પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ આપી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર