રાજકોટના પાળ ગામમાં કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાના પ્રયાસનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ભુમાફિયાઓએ જમીન હડપવાના ઈરાદે હિંસક આતંક મચાવ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પાળ ગામની સર્વે નંબર 1002 પર આવેલી કિંમતી જમીન અમિષ રામાણી નામના વ્યક્તિએ કાયદેસર રીતે ખરીદેલી છે. જોકે, આ જમીન પર ડોળો નાખવાના ઈરાદે ભુમાફિયાઓએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનો આરોપ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત 9 અને 10 ડિસેમ્બરના રોજ મેહુલ ડાયા માટિયા અને મેહુલ અરજણ માટિયા નામના શખ્સોએ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાના બદઈરાદે પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ પર બેફામ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આરોપીઓએ પોતાની કરતૂત છુપાવવા માટે ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, તમામ હિંસક હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે પોલીસ માટે મહત્વપૂર્ણ પુરાવા બની છે.
આ સમગ્ર મામલે જમીન માલિક અમિષ રામાણી દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
રાજકોટમાં વધતા જતા જમીન હડપના કિસ્સાઓએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ચર્ચા જગાડી છે.


