૩૧ ડિસેમ્બર પૂર્વે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા મૈસુર ભગત ચોકડી પાસેથી એક આઇસર ટ્રકમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે છાપાની પસ્તીની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની શંકા સાથે ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી ગે.કા. રીતે ભરેલી વિદેશી દારૂની નાની બોટલો નંગ-૬૦૦૦ મળી આવી, જેની અંદાજિત કિંમત રૂ. ૧૮,૭૨,૦૦૦/- થાય છે. સાથે સાથે ટ્રક સહિત કુલ મુદ્દામાલ રૂ. ૨૮,૮૨,૦૦૦/-નો કબ્જો લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. બંને સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ન્યૂ યર ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે સઘન ચેકિંગ અને કાર્યવાહી શરૂ રાખી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.


