રાજકોટના મોચીબજાર વિસ્તારમાં આજે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ બાકી વેરા અને પેનલ્ટી મુદ્દે અલગ અલગ દુકાનો પર તાળા મારી દુકાનો સીલ કરી દીધી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીને લઈને સમગ્ર બજાર વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી હતી.
કોર્પોરેશન દ્વારા દુકાનો સીલ કરવામાં આવતા વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. વેપારીઓએ આરોપ લગાવ્યો કે કોઈ પણ પ્રકારની યોગ્ય આકારણી કે પૂર્વ જાણ વિના મનમાની રીતે પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે. દુકાનદારોનું કહેવું છે કે નિયમ મુજબ વેરાની ગણતરી કરવામાં આવી નથી અને અચાનક મોટી રકમની પેનલ્ટી લગાડી દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
વેપારીઓએ કોર્પોરેશનના અધિકારીઓ પર ભેદભાવપૂર્ણ અને દબાણરૂપ કાર્યવાહી કરવાનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી અને સીધો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેનાથી રોજગાર પર ગંભીર અસર પડી છે.
મોચીબજારના વેપારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે જો યોગ્ય રીતે આકારણી કરીને ન્યાય નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલે કોર્પોરેશનની કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.


