રાજકોટ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ કમિશ્નર કચેરીના મુખ્ય દરવાજા પાસે એસઆરપી ગ્રુપ-10માં કાર્યરત જવાન ગજુભાઈ રાઠોડે પોતાની સર્વિસ રાયફલમાંથી છાતીમાં ગોળી ફાયર કરીને આત્મહત્યા કરી લીધી છે. અચાનક થયેલી આ ઘટનાથી પોલીસ તંત્ર સહિત શહેરમાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ઘટના આજે સવારના સમયે બની હતી. ડ્યૂટી દરમ્યાન જવાને અચાનક પોતાની સર્વિસ રાયફલ હાથમાં લઈને છાતી પર સીધી ગોળી ચલાવી હતી. ગોળીબારનો અવાજ થતાં જ નજીકના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને તરત જવાનને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળના કારણો અસ્પષ્ટ છે. માનસિક તણાવ કે કોઈ અન્ય વ્યક્તિગત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કમિશ્નર કચેરી જેવી હાઇ-સિક્યુરિટી જગ્યાએ આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી છે.
જવાનના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ શોકમગ્ન છે. પોલીસે મરણોત્તર તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


