રવિવાર, જાન્યુઆરી 11, 2026

ઈ-પેપર

રવિવાર, જાન્યુઆરી 11, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મીએ રાજકોટના પ્રવાસે: વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન, ટ્રેડ શો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મીએ રાજકોટના પ્રવાસે: વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન, ટ્રેડ શો તથા કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે


રાજકોટ, તા. ૧૦ જાન્યુઆરી – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ જાન્યુઆરીએ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બપોરે મારવાડી યુનિવર્સિટી ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન કમ ટ્રેડ શો – કચ્છ અને સૌરાષ્ટ્ર”નો પ્રારંભ કરાવાશે. ત્યારબાદ “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર”નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે દેશ-વિદેશના ચાર હજારથી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મારવાડી યુનિવર્સિટી પહોંચ્યા બાદ સૌપ્રથમ પાંચ દિવસીય “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન કમ ટ્રેડ શો”નો આરંભ કરાવશે. અહીં ૧૮ હજાર ચોરસ મીટરમાં છ થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ૪૫૦થી વધુ પ્રદર્શકો જોડાયા છે. વડાપ્રધાન વિવિધ થીમ પેવેલિયનની મુલાકાત લઈ પ્રદર્શકોને પ્રોત્સાહિત કરશે.

ત્યારબાદ મુખ્ય ડોમ ખાતે બે દિવસીય “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ”નો પ્રારંભ કરાશે, જ્યાં ઉપસ્થિતોને સંબોધન પણ કરવામાં આવશે. બાદમાં વિવિધ સેમિનાર્સ અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે.

ગુજરાત સરકાર દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ”નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં જાપાન, સાઉથ કોરિયા, રવાન્ડા અને યુક્રેન કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા છે. ઉપરાંત ૪૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO સમિટમાં સહભાગી બનશે.

બે દિવસીય કોન્ફરન્સના પ્રથમ દિવસે ૮ અને બીજા દિવસે ૪૧ એમ કુલ ૫૦ જેટલા બિઝનેસ સેમિનાર્સ યોજાશે, જે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ક્ષેત્રોના વિકાસને નવી દિશા આપશે.

આ તકે વિવિધ ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના સમજૂતી કરાર થવાની સંભાવના છે. પ્રથમ દિવસે એગ્રીવેલ્યુ, મત્સ્યોદ્યોગ, બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, કાર્બનથી ક્રોપ્સ, તેલ અને ગેસ, શિપ બિલ્ડિંગ તથા નારી શક્તિ જેવા વિષયો પર સેમિનાર્સ યોજાશે. બીજા દિવસે બંદર વિકાસ, ઓટો અને પ્રિસિઝન એન્જિનિયરિંગ, સિરામિક, બ્લુ ઇકોનોમી, બાગાયત વિકાસ, AI, MSME કૌશલ્ય વિકાસ, બ્લુ બાયો ઇકોનોમી, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, સ્વચ્છ ઊર્જા અને મિશન ૧૦૦ ગીગાવોટ જેવા વિષયો પર ચર્ચા થશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજીયનનો માસ્ટર પ્લાન પણ જાહેર કરાશે.

૧૧થી ૧૫ જાન્યુઆરી દરમિયાન “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન કમ ટ્રેડ શો” યોજાશે. કુલ ૨૬ હજાર ચોરસ મીટરમાં આયોજિત એક્ઝિબિશનમાં છ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, હસ્તકલા ગ્રામ અને MSME, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ અને પબ્લિક સેક્ટર પાવરહાઉસનો સમાવેશ થાય છે.

આ સાથે રિવર્સ બાયર્સ-સેલર્સ મીટ પણ યોજાશે, જેમાં ૧૦૭ આંતરરાષ્ટ્રીય અને ૨૦ રાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે. ઉપરાંત B2B, B2G મીટિંગ્સ, ઉદ્યમી મેળા, ફૂડ કોર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સ્થાનિક MSMEને વૈશ્વિક બજાર સાથે જોડવા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે, જેમાં IOCL, ONGC, રેલવે જેવી મોટી કંપનીઓ પોતાની જરૂરિયાતો રજૂ કરશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર