અંબાજીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે 5 દિવસીય સાધુ-સંતોના સંગમનો ભવ્ય પ્રારંભ
મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. જેને લઇને કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા અંબાજીમાં પણ છેલ્લા 3 વર્ષથી મકરસંક્રાંતિનું શાહી સ્નાન આયોજિત કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ 5 દિવસીય સાધુ-સંતોના સંગમનો ભવ્ય પ્રારંભ થયો છે. અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર સાધુ-સંતોના નગર પ્રવેશ સમયે વાતાવરણ ‘જય અંબે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. સરપંચ દ્વારા સંતોનું ફૂલહાર અને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા રાધા-કૃષ્ણ મંદિર પહોંચી હતી, જ્યાં વિધિવત ધર્મ ધજા ફરકાવ્યા બાદ દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવ ખુલ્લો મુકાયો.


