જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ બુધવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે પેલેસ્ટાઇનના લોકોના અધિકારો પર વાત કરી હતી. બંને નેતાઓએ પેલેસ્ટાઇનના મુદ્દા અને આ ક્ષેત્રની સુરક્ષા માટેની યુ.એસ.ની યોજનાને એક મોટો ખતરો ગણાવ્યો હતો.
ગાઝા પર નિયંત્રણ મેળવવા અને ગાઝામાંથી પેલેસ્ટીનીઓને વિસ્થાપિત કરવાના ટ્રમ્પના ઇરાદા બાદ મુસ્લિમ દેશોમાં ભડકો થયો છે. બે મુસ્લિમ દેશોએ ટ્રમ્પના આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરી છે. ગાઝાને નિયંત્રિત કરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સાઉદી અરેબિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, ગાઝાથી પેલેસ્ટીનીઓને અલગ પાડે તેવા કોઇ પણ પગલાંથી સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા આવી શકે છે.
સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું હતું કે ગાઝા માત્ર પેલેસ્ટીનીઓનો જ અધિકાર છે અને તે પેલેસ્ટીનીઓની સ્વતંત્ર રાષ્ટ્ર બનવાની પ્રતિબદ્ધતા સાથે ઉભું છે. સાથે જ જોર્ડને પણ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો હતો. હવે જોર્ડન અને સાઉદી અરેબિયા અમેરિકા અને ઇઝરાયેલના આ ઇરાદા સામે એકજૂથ થયા છે.
સાઉદી અને જોર્ડન એક સાથે આવ્યા
જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ બુધવારે પેલેસ્ટાઇનના લોકોના અધિકારો અંગે સાઉદી અરેબિયાના સતત સહકારી વલણનું સ્વાગત કર્યું હતું. સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ, તેમની વાતચીત દરમિયાન, કિંગ અબ્દુલ્લા અને ક્રાઉન પ્રિન્સે આ ક્ષેત્રના તાજેતરના વિકાસ અને સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો અંગે ચર્ચા કરી હતી. આ પહેલા રાજા પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ બેઠા હતા.
ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરતા કહ્યું હતું કે, તેમણે ગાઝામાંથી તમામ પેલેસ્ટીનીઓને હટાવવાનું સૂચન કર્યું છે, જેથી અમેરિકા આ વિસ્તાર પર કબજો કરી શકે અને અન્યના ઉપયોગ માટે તેનું પુનઃનિર્માણ કરી શકે.