રાજકોટમાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ: બેફામ ઓવરલોડ ટ્રકોથી રસ્તાઓ જોખમમાં
રાજકોટ શહેરના મુખ્ય રાજમાર્ગો પર પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. શહેરમાં બેફામ રીતે ઓવરલોડ ટ્રક દોડતા હોવાના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. ખાસ કરીને રૈયા ચોકડી નજીક કિડવાઈ નગર મેઈન રોડ પર એક ઓવરલોડ ટ્રક રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર સતત ભારે વાહનોના આવાગમનથી રોડની હાલત દયનીય બની ગઈ છે. ઓવરલોડ ટ્રક ખાડામાં ફસાતાં માર્ગની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. હજી તાજેતરમાં જ બનેલા અથવા રિપેર કરાયેલા રસ્તાઓ થોડા જ સમયમાં તૂટી રહ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
ચિંતાજનક બાબત એ છે કે શહેરમાં ઘણા કાળમુખા ઓવરલોડ ટ્રક નંબર પ્લેટ વિના ફરી રહ્યા છે. જાહેરનામા મુજબ સોસાયટીઓના મુખ્ય માર્ગો અને શહેરના આંતરિક વિસ્તારોમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આવા ટ્રક નિર્ભયપણે દોડતા જોવા મળે છે. પરિણામે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે.
આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે. લોકોનો આક્ષેપ છે કે બેફામ દંડ ઉઘરાવતી ટ્રાફિક પોલીસ ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહી છે. નિયમિત ચેકિંગના અભાવે આવા ટ્રક ચાલકોને છૂટો દોર મળ્યો હોવાનો આરોપ ઉઠી રહ્યો છે.
ઘટનાસ્થળે ટ્રકનો માલિક પણ પહોંચ્યો હતો અને તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો કે, “મને પણ ખ્યાલ નથી મારો ટ્રક કયા જઈ રહ્યો છે?” આ નિવેદન ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની બેદરકારી અને નિયંત્રણના અભાવને સ્પષ્ટ કરે છે.
આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા, રોડની ગુણવત્તા અને કાયદા અમલની સ્થિતિ પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે. હવે જોવું રહ્યું કે પ્રશાસન અને પોલીસ તંત્ર આવા બેફામ ઓવરલોડ ટ્રકો સામે કડક કાર્યવાહી કરી શહેરવાસીઓની સુરક્ષા ક્યારે સુનિશ્ચિત કરે છે.


