સરકારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ 2018 થી ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફર્મેશન ફ્રેમવર્ક હેઠળ ભારતીય લોકો વિશે વાર્ષિક નાણાકીય માહિતી પૂરી પાડી રહ્યું છે. ભારતીય અધિકારીઓને પ્રથમ ડેટા ટ્રાન્સમિશન સપ્ટેમ્બર 2019 માં થયું હતું, અને ત્યારથી તે ચાલુ છે. વધુમાં, ભારતને 100 થી વધુ વિદેશી કર અધિકારક્ષેત્રોમાંથી વિદેશી સંપત્તિ અને આવક વિશે માહિતી મળે છે.
ભારતમાં કાળા નાણાંનો મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે. સંસદમાં ફરી એકવાર કાળા નાણાંનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને પૂછ્યું કે શું સ્વિસ બેંકોમાં જમા ભારતીય સંપત્તિ ત્રણ ગણી વધી ગઈ છે, જેના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો કે છેલ્લા 10 વર્ષમાં કાળા નાણાં સંબંધિત કેસોમાં 338 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી ખાને કાળા નાણાં સંબંધિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા, “સ્વિસ નેશનલ બેંક અનુસાર, સ્વિસ બેંકોમાં જમા કરાયેલા ભારતીય નાણાં 2024માં 3 ગણાથી વધુ વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 37,600 કરોડ રૂપિયા થઈ ગયા છે, જે 2021 પછીનું ઉચ્ચતમ સ્તર છે. આ સાથે, એવું પણ પૂછવામાં આવ્યું હતું કે 2022, 2023, 2024 અને 2025 દરમિયાન અત્યાર સુધી વિદેશી ખાતાઓમાંથી પાછા લાવવામાં આવેલા કાળા નાણાંની વર્ષવાર અને દેશવાર વિગતો શું છે?