રાજકોટના હલેન્ડામાં એક અનોખી ગુફા છે, જેને પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફામાં શિવલિંગ વિરાજમાન છે, પરંતુ અહીં મંદિર બાંધવામાં વિઘ્ન આવે છે. પહેલી નજરે આ જગ્યા પૂજાની લાગે છે, પરંતુ અદભુત બનાવો અને રહસ્યો આ સ્થાનને અનોખું બનાવે છે.
આજે વાત એ મંદિરની કે જ્યાં મંદિર નથી બાંધી શકાતું. અહીં બીલીના ઝાડ નીચે જ બિરાજે છે મહાદેવ. જો કોઈ મંદિર બાંધવાના પ્રયાસ કરે તો આવે છે વિઘ્ન. અહીંયા ભૂત હોવાનો ભાસ વર્ષો પહેલાં થતો હતો. આ જ જગ્યા ઉપર આવેલી છે રહસ્યમય ગુફા. અહીંયા પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન રોકાયા હોવાની છે લોકવાયકા. રાજકોટના મીની જંગલ વચ્ચે આવેલું આ મંદિર આધ્યાત્મિક ફરવાનું પણ ઉત્તમ સ્થળ છે.
કહેવાય છે કે પાંડવોએ આ જ ગુફામાં કેટલોક સમય વિતાવ્યો હતો અને ત્યારબાદ અહીંથી તેઓ તરણેતર ગયા હતા. એવું પણ કહેવાય છે કે એક સમયે આ ગુફા રાજકોટથી જુનાગઢના જંગલોમાં નીકળતી હતી. પરંતુ સમય અંતરે જમીનોમાં કેટલાક ફેરફારો થયા તેમના કારણે આ ગુફાનો માર્ગ ક્યાંક ટૂંકો થઈ ગયો છે. ગામના સરપંચનો દાવો છે કે તેઓ આજે પણ આ ગુફાની અંદર પોતે જાય છે. ઘણે ઊંડે સુધી ગયા બાદ તેઓને આગળ જતાં ડર લાગવા લાગે છે અને તેઓ પાછા વળી જાય છે.


