નવી દિલ્હી : થોડા દિવસોથી ભારત અને અમેરિકા વચ્ચે કડવાશ વ્યાપી હતી. કેજરીવાલ અને કોંગ્રેસનાં ફ્રીઝ ખાતાઓ અંગે અમેરિકાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. અમેરિકાએ કહ્યું કે, ૨૦૨૪ની ચૂંટણી પહેલા વિપક્ષના નેતાઓ અને પાર્ટીઓ ઉપર લેવાઈ રહેલ પગલા ઉપર અમે સતત નજર રખી રહ્યા છીએ. તેના જવાબમાં ભારતે, અમેરિકાને પોતાના આંતરિક મામલાથી દૂર રહેવા પણ જણાવી દીધું હતું.હવે ભારત પ્રત્યે અમેરિકાનું વલણ બદલાઈ ગયું છે. અમેરિકાના રાજદૂત એરિક ગર્સેટીએ ભારતની ભારોભાર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું, જે કોઈ વિશ્વનું ભવિષ્ય જોવા માગે તો, તેણે ભારત આવવું જોઈએ.
ભારતની વિકાસ યાત્રાની પ્રશંસા કરતાં તેઓએ એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું કે, જો તમો ભવિષ્ય જોવા માગો તો, ભારત આવો, ભવિષ્યની અનુભૂતિ કરવા ઇચ્છો તો પણ ભારત આવો. મને તો તેમ કરવાનું સૌભાગ્ય મળ્યું છે.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલાને પણ ભારત સાથેના સંબંધો અંગે કહ્યું કે, અમેરિકા-ભારતની ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચી છે. વ્હાઈટ હાઉસમાં એક સંવદદાતા સંમેલનમાં કહ્યું કે, બ્રિક્સમાં સામેલ દેશો પૈકી વિશેષત: ભારતસાથે અમેરિકાની પ્રોદ્યોગિક (ટેકનિકલ) ભાગીદારી તેમજ સંરક્ષણ સહિતની કેટલાએ ક્ષેત્રોની ભાગીદારી નવી ઉંચાઈએ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે બ્રિક્સ વિશ્વની ઝડપભેર ઉભરતી આર્થિક વ્યવસ્થાનો સમુહ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઉપરાંત ઇજીપ્ત, ઇથોપિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત તેના સભ્યો છે. સુવિયનને જ્યરે પૂછવામાં આવ્યું કે, ઇરાન, ઇજીપ્ત, સંયુક્ત આરબ અમીરાત અને ઇથોપિયા બ્રિક્સમાં સામેલ થયા, હવે સઉદી અરબસ્તાન પણ તેમાં જોડાવા વિચારે છે. તો તેથી દુનિયામાં નેતૃત્વ કરવાની અમેરિકાની સ્થિતિ નિર્બળ બનશે કે કેમ ? તો તેના જવાબમાં જેક સુવિલાને કહ્યું કે, દુનિયાનાં મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકાની પૂર્વ ભૂમિકા અને તેના સંબંધો જોઈએ તો અમને અમારી સ્થિતિ વધુ સારી બની હોવાનું લાગી રહ્યું છે.