નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગોલ્ડ રિઝર્વની ખરીદીમાં વધારો નોંધાતા ફોરેક્સ રિઝર્વે સતત સાતમા સપ્તાહે રેકોર્ડ ટોચ નોંધાવી છે. 5 એપ્રિલના રોજ પૂર્ણ થતાં સપ્તાહમાં દેશની ફોરેક્સ રિઝર્વે 648 અબજ ડોલરની સપાટી વટાવી છે.
આરબીઆઈ દ્વારા જારી આંકડાઓ અનુસાર, 5 એપ્રિલે પૂર્ણ થતાં સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 2.98 અબજ ડોલર વધી 648.562 અબજ ડોલર થયું છે. જેમાં વૃદ્ધિ પાછળનુ કારણ ગોલ્ડ રિઝર્વમાં વધારો છે. ગોલ્ડ રિઝર્વ 2.398 અબજ ડોલર વધી 54.558 અબજ ડોલરે પહોંચ્યુ છે. રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસે ગત સપ્તાહમાં જણાવ્યું હતું કે, આરબીઆઈએ સોનામાં ખરીદી વધારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતોમાં તેજીના કારણે ગોલ્ડ રિઝર્વ પણ મજબૂત થઈ છે. ફોરેક્સ રિઝર્વ કરન્સી 54.9 કરોડ ડોલર વધી 571.166 અબજ ડોલરની સપાટી ક્રોસ કરી છે.
સાત સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 32.47 અબજ ડોલર વધ્યું
છેલ્લા સાત સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 32.465 અબજ ડોલર વધ્યું છે. અગાઉ 29 માર્ચે સમાપ્ત થતાં સપ્તાહમાં 2.951 અબજ ડોલર વધી 645.583 અબજ ડોલરના રેકોર્ડ લેવલે હતું. 22 માર્ચ અને 15 માર્ચે પૂર્ણ થતાં સપ્તાહમાં પણ રેકોર્ડ 642.631 અબજ ડોલર અને 642.492 અબજ ડોલર ફોરેક્સ રિઝર્વ નોંધાયુ હતું.
રૂપિયો મજબૂત બનશે
ફોરેક્સ રિઝર્વમાં સતત વૃદ્ધિના પગલે ડોલર સામે રૂપિયો સતત સ્થિર સ્તરે જળવાઈ રહ્યો છે. મજબૂત ડોલર સામે રૂપિયામાં ઘટાડો થતો અટકાવવા માટે હાજર અને ફોરેક્સ કરન્સી માર્કેટ દખલગીરી કરી વધુ ડોલર જારી કરે છે. તેનાથી વિપરિત ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો રૂપિયાને વધુ નબળો બનાવે છે.