(આઝાદ સંદેશ) ગાંધીનગર : ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા આઇપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જો કે, હજી સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 3 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક મહિના પહેલાં જ રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચા છે. રાજીનામુ આપનાર આઇપીએસ અભય ચુડાસમા ગુજરાત પોલીસના સુપરકોપ કહેવાય છે અને તેઓ ગુજરાત પોલીસના અનેક મહત્ત્વના કેસ સાથે જોડાયાલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્ત્વની જવાબાદરી નિભાવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સાઈટ પોસ્ટિંગમાં હતા અને તેમને મહત્ત્વની પોસ્ટિંગ મળશે તેવી અટકળો પોલીસબેડામાં હતી, ત્યારે તેમણે અચાનક રાજીનામું આપી દેતા તમામ અટકળોનો અંત આવ્યો છે. હવે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાતના બીજા આઇપીએસ અધિકારી હશે જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, અભય ચુડાસમા ઓક્ટોબર મહિનામાં નિવૃત થવાના હતા. પરંતુ, વય નિવૃતિના સાત મહિના પહેલા જ કોઈ કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. એક મહિના પહેલા જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ પણ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું જે સરકારે મંજૂર પણ કર્યું હતું. અગાઉ સુરેન્દ્રનગરના વઢવાણમાં કારડિયા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અભય ચુડાસમાએ રાજકારણમાં કારડીયા સમાજના સ્થાનને લઈ નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરાં થવા આવ્યા છે. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઇપણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ન હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે. કારણની અંદર ઊતરો તો તરત જ ખબર પડશે.