નવી દિલ્હી: IPLની 25મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ 197 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે મુંબઈ માટે બેટિંગમાં કમાલ કરી હતી, જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બોલિંગમાં હડકંપ મચાવ્યો હતો. આ મેચમાં બુમરાહે 5 વિકેટ લીધી હતી. બુમરાહે IPLના ઈતિહાસમાં બીજી વખત પાંચ વિકેટ લીધી. બુમરાહને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બુમરાહના ખૂબ વખાણ કર્યા છે અને કહ્યું છે કે, તે ભાગ્યશાળી છે કે, તેની ટીમમાં બુમરાહ છે.
બુમરાહે 5 વિકેટ લીધી અને RCBને 8 વિકેટે 196 રન જ કરવા દીધા. જવાબમાં મુંબઈએ 27 બોલ બાકી રહેતા જીત નોંધાવી હતી. RCB સામેની જીત બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘જીતવું હંમેશા સારું લાગે છે. અમે શાનદાર રીતે જીત્યા. ઇમ્પેક્ટ ખેલાડીનો નિયમ અમને વધારાના બોલરનો ઉપયોગ કરવાની તક આપી રહ્યો છે, જેનાથી અમને ફાયદો થયો. રોહિત અને ઈશાને જે રીતે બેટિંગ કરી, આ મેચ ઝડપથી ખતમ કરવી જરૂરી હતી. અમારે રન રેટમાં પણ સુધારો કરવો પડશે. બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ માટે જસપ્રિત બુમરાહે એકલા હાથે બાજી મારી છે. બુમરાહનું વેરિએશન અદ્ભુત હતુ. તેણે સચોટ યોર્કર અને બાઉન્સર વડે બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. ઇન-ફોર્મ વિરાટ કોહલી (03) વાનખેડે સ્ટેડિયમમાં IPLમાં ફરી નિષ્ફળ ગયો અને બુમરાહે તેને વિકેટની પાછળ ઇશાન કિશનના હાથે કેચ કરાવીને વિદાય આપી. હાર્દિક પંડ્યાએ બુમરાહ વિશે કહ્યું, ‘હું નસીબદાર છું કે તે મારી ટીમમાં છે. તેણે વારંવાર સફળતા મેળવી છે. તે નેટમાં ખૂબ મહેનત કરે છે. તેની પાસે પુષ્કળ અનુભવ અને આત્મવિશ્વાસ છે.’ ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. બુમરાહે શાનદાર બોલિંગ કરીને આરસીબીના રન રેટને અંકુશમાં રાખ્યો હતો.