આટકોટ બાળ દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો: ૪૩ દિવસમાં ન્યાય, આરોપીને ફાંસી
રાજકોટ:
આટકોટમાં ૭ વર્ષની માસૂમ બાળકી પર થયેલા અમાનવીય દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે કડક અને ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી રેમસિંહ ડુડવાને ફાંસીની સજા સંભળાવી છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું અને માત્ર ૪૩ દિવસમાં ન્યાય મળતા ન્યાયપ્રણાલી પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
કેસની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે ૧૧ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા ડે-ટુ-ડે ટ્રાયલ ચલાવવામાં આવ્યો, જેમાં પુરાવા, સાક્ષીઓ અને વૈજ્ઞાનિક આધારની સતત સુનાવણી બાદ આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો. બાળકીના ગુપ્તાંગમાં સળીયો ખોસીને ફરાર થયેલા આરોપીના કૃત્યને કોર્ટએ અતિ ક્રૂર અને માનવતાવિરોધી ગણાવ્યું.
પોક્સો કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે આવા જઘન્ય ગુનાઓમાં કડકતમ સજા જ સમાજ માટે મજબૂત સંદેશ આપે છે. પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયના સંયુક્ત અને ઝડપી પ્રયાસોના પરિણામે માસૂમને સમયસર ન્યાય મળ્યો હોવાનું પણ કોર્ટએ નોંધ્યું છે.
આટકોટ ઘટનાએ રાજ્યભરમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો, ત્યારે કોર્ટના આ કડક અને ઐતિહાસિક ચુકાદાને ન્યાયની જીત અને સમાજ માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યો છે.


