વિદેશથી મળેલા ધમકીભર્યા ઇમેઇલ બાદ સઘન તપાસ : વિધાનસભા સત્ર રાબેતા મુજબ શરૂ
(આઝાદ સંદેશ) ગાંધીનગર: ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલુ છે તેવા સમયે જ વિધાનસભા સંકુલ, ગાંધીનગર કોર્ટ પરિસર તેમજ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકી મળ્યાની સાથે જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સવારે ૯ વાગ્યા પહેલાં સમગ્ર સંકુલની સઘન તપાસ પૂર્ણ કરી લીધી હતી. જોકે, ઝીણવટભરી તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેથી રાહતનો શ્વાસ લઈને વિધાનસભાનું સત્ર રાબેતા મુજબ શરૂ કરી દેવાયું હતું.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ ધમકીભર્યો ઈ-મેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે, જે અગાઉ છ મહિના પહેલાં મળેલી ધમકીની પદ્ધતિને મળતો આવે છે. આ પ્રકારના ધમકીભર્યા મેલ વિદેશી સર્વર પરથી આવતા હોવાથી ગાંધીનગર પોલીસે આ ગંભીર મામલે ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર સેલની મદદથી આગળની સઘન તપાસ હાથ ધરી છે.


