કાજુકતરી સાથે કોંગ્રેસનો અનોખો વિરોધ
- કાજુકતરી સાથે કોંગ્રેસનો અનોખો વિરોધ
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા કથિત ફૂડ બિલ મુદ્દે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો હાથમાં કાજુકતરીના બોક્સ લઈને સભા સ્થળે પહોંચ્યા હતા અને આ બિલને પેન્ડિંગ રાખવાની સાથે તેની કોઈપણ પ્રકારની ચુકવણી ન કરવાની માંગ ઉઠાવી હતી. સમગ્ર મામલે પારદર્શક તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે શાસકપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
- જનરલ બોર્ડ બેઠકમાં મેયર અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન શાસકપક્ષની અંદર જ ક્ષણિક તણાવનો માહોલ સર્જાયો હતો. ભાજપના કોર્પોરેટર કેતન પટેલ અને મેયર નેહલ શુક્લ વચ્ચે પ્રશ્નોની સંખ્યા અને રજૂઆતને લઈને બોલાચાલી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે સભામાં ગરમાવો જોવા મળ્યો હતો, જોકે બાદમાં મામલો શાંત પડી ગયો હતો.
- ભાજપના ખેસધારી શખ્સ પર દાદાગીરીનો આક્ષેપ
રાજકોટમાં ભાજપનો ખેસ પહેરેલા એક શખ્સ સામે દાદાગીરીનો આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ, શખ્સે સ્કૂલ બસની સામે પોતાની કાર ઉભી રાખતા રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને જાહેર માર્ગ પર આ પ્રકારની હરકતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.