રાજકોટ શહેરમાં ફરી એકવાર રીક્ષા ગેંગ સક્રિય બની હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કોઠારિયા સોલવંટ નજીક એક યુવાનને નિશાન બનાવી રીક્ષામાં બેસાડ્યા બાદ તેનું પાકીટ સેરવી લેવામાં આવ્યું હતું. સમગ્ર મામલે આજીડેમ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, યુવાન પોતાના કામસર પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક શખ્સોએ રીક્ષામાં બેસાડી ગંતવ્ય સ્થળે છોડવાની વાત કરી હતી. રસ્તામાં આરોપીઓએ વાતોમાં ભુલાવી તકનો લાભ લઈ યુવકનું પાકીટ સેરવી લીધું હતું. બનાવની જાણ થતાં જ પીડિત યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આસપાસના CCTV કેમેરા, રીક્ષાની હિલચાલ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણ શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે તેમને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ દ્વારા અગાઉ પણ આવી રીતના ગુનાઓ આચરાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મુસાફરો અને એકલા જતા લોકોને નિશાન બનાવી રીક્ષા ગેંગ દ્વારા ચોરી અને પાકીટ સેરવવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. પોલીસે નાગરિકોને અજાણ્યા રીક્ષા ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે.


