અમરેલીમાં ફરી સિંહ પજવણીનો વીડિયો વાયરલ, કાર દોડાવી જંગલના રાજાનો કર્યો પીછો
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહ પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ અને વન્યજીવપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક ટીકરખોરો કાર દોડાવી જંગલના રાજા ગણાતા સિંહનો પીછો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વાહનમાં સવાર લોકો સિંહોની નજીક સુધી પહોંચી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા હોર્ન વગાડવા અને વાહન ઝડપથી દોડાવી સિંહોને હેરાન કરવામાં આવતા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
સિંહો સાથે આવી રીતે ક્રૂર મજાક અને પજવણી કરવી માત્ર વન્યજીવ કાયદાનો ભંગ જ નહીં પરંતુ સિંહોની સુરક્ષા માટે પણ જોખમી માનવામાં આવે છે. વન વિભાગ દ્વારા અનેક વખત લોકોને જંગલ વિસ્તારમાં સિંહો અને અન્ય વન્યજીવોને પરેશાન ન કરવા સૂચનાઓ આપવામાં આવી છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા અને રીલ્સ બનાવવા માટે સિંહોની નજીક જવાની જોખમી હરકતો કરતા હોય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા વીડિયોના આધારે વાહન અને તેમાં સવાર લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે વન્યજીવોને હેરાન કરતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સિંહો ગુજરાતની શાન ગણાય છે અને તેમની સુરક્ષા દરેક નાગરિકની જવાબદારી હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.
વન્યજીવપ્રેમીઓએ પણ આવી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે સિંહોને વારંવાર હેરાન કરવામાં આવે તો તેમની સ્વભાવિક ચાલચાલનમાં ફેરફાર આવી શકે છે અને માનવ-વન્યજીવ સંઘર્ષ વધવાનો ભય પણ ઉભો થઈ શકે છે. હાલ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


