પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયા પછી, એક્ઝિટ પોલની આગાહીઓ જાહેર કરવામાં આવી છે. મોટાભાગના સર્વેક્ષણો બંગાળમાં ભાજપ સત્તામાં આવતા દર્શાવે છે. કેટલાક તો નજીકની સ્પર્ધાની આગાહી પણ કરે છે. પીપલ્સ પલ્સ સર્વેક્ષણમાં ભાજપને 95 થી 110 બેઠકોની જીતની આગાહી કરવામાં આવી છે. આસામ વિશે, બધા સર્વેક્ષણો ભાજપની જીતની આગાહી કરે છે. તમિલનાડુમાં, મોટાભાગના સર્વેક્ષણો DMK+ ની જીતની આગાહી કરે છે. તેવી જ રીતે, કેરળમાં, મોટાભાગના સર્વેક્ષણો LDF ની જીતની આગાહી કરે છે, જ્યારે પુડુચેરીમાં, ફરી એકવાર ભાજપ ગઠબંધન સરકારની અપેક્ષા છે. બંગાળમાં 294 બેઠકો, તમિલનાડુમાં 234, આસામમાં 126, કેરળમાં 140 અને પુડુચેરીમાં 30 બેઠકો પર મતદાન થયું. તમિલનાડુમાં, બધી 234 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું. આસામ, કેરળ અને પુડુચેરીમાં, બધી બેઠકો માટે એક સાથે મતદાન થયું. બંગાળમાં, ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પરિણામો 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.
મોરબી શહેરમાં વ્યાજખોરીનો કહેર ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. આલાપ રોડ પર આવેલી તિરુપતિ નગર સોસાયટીમાં રહેતા હોટલ સંચાલક અશ્વિન બોપલિયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, અશ્વિનભાઈ પર વ્યાજખોરોનો ભારે ત્રાસ હતો, જેના કારણે તેઓ માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા હતા. પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે વ્યાજખોરો સતત પૈસાની માંગણી કરી દબાણ કરતા હતા અને ધમકીઓ આપતા હતા.
માહિતી અનુસાર, અશ્વિન બોપલિયાએ અંદાજે 37.50 લાખ રૂપિયાનું ઉધાર લીધું હતું, પરંતુ સમયાંતરે તેઓએ 75 લાખ રૂપિયાથી વધુ રકમ વ્યાજ રૂપે ચૂકવી દીધી હોવા છતાં પણ વ્યાજખોરોએ તેમની પર દબાણ ઘટાડ્યું નહોતું. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે અશ્વિનભાઈને તેમની 11 વિઘા જમીન અને સોનાના દાગીના વેચવા પડ્યા હતા. આર્થિક રીતે સંપૂર્ણપણે તૂટી પડ્યા છતાં પણ વ્યાજખોરોએ રાહત ન આપી અને મકાનના દસ્તાવેજ તેમજ મોબાઈલ ફોન પણ કબજે કરી લીધા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
આ સતત દબાણ અને માનસિક પીડાના કારણે અંતે અશ્વિન બોપલિયાએ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે સાત વ્યાજખોરો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.


