કચ્છના ઐતિહાસિક ધોળાવીરા ગામમાં જમીન સંપાદન મામલે આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા (ASI) સામે ગુજરાત હાઈકોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટને અપાયેલી ખાતરીનું પાલન ન કરવાના કારણે હાઈકોર્ટએ ASIને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસમાં જમીન માલિકને યોગ્ય વળતર ન મળતા વર્ષ 2023માં ભચાઉ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તે દરમિયાન ASIના અધિકારીઓએ કોર્ટ સમક્ષ નિર્ધારિત સમયમર્યાદામાં વળતર ચૂકવવાની ખાતરી આપી હતી. પરંતુ આ ખાતરી બાદ પણ લાંબા સમય સુધી વળતર ચૂકવવામાં ન આવતા મામલો ગંભીર બન્યો હતો.
વળતર ચૂકવણીમાં થયેલા વિલંબને લઈને ASI તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કોન્ડોનેશન ઓફ ડીલેની અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટએ આ અરજી ફગાવી દેતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોર્ટને અપાયેલી ખાતરીનું પાલન ન કરવું ગંભીર અને અક્ષમ્ય બાબત છે. આ સાથે ASI પર 1 લાખ રૂપિયાનો દંડ લાદી કોર્ટએ કડક સંદેશો આપ્યો છે.
હાઈકોર્ટના આ નિર્ણયથી જમીન સંપાદન મામલામાં સરકારી સંસ્થાઓની જવાબદારી અને સમયસર વળતર ચૂકવવાની ફરજ પર ફરી એક વખત ભાર મૂકાયો છે.


