વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય દ્વારા વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિરપુર ટાઉન વિસ્તારમાં કરાયેલા આ દરોડા દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની નાની તથા મોટી બોટલો સહિત કુલ 3,804 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. 9,00,816/- હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વિરપુર ટાઉન વિસ્તારમાં રહેતા અતુલભાઈ (રહે. વિરપુર) દ્વારા પોતાના ભાઈના કબજાભોગમાં આવેલા રહેણાંક મકાન પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહિત રાખવામાં આવ્યો હતો.એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે તરત જ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન મકાન પાસે રાખવામાં આવેલ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની તથા મોટી બોટલો કબજે કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જ સમગ્ર જથ્થો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.
આ મામલે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે સાથે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો વિતરણ ક્યાં થવાનું હતું તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં ગેરકાયદે દારૂના ધંધા સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.


