રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન ડૉ. પાર્થ પંડ્યા ઉપર થયેલા હુમલાના મામલે તણાવ વધી ગયો છે. જુનિયર ડોક્ટર એસોસિએશને ઘટનાના વિરોધમાં હડતાલનું એલાન કર્યું છે. હડતાલ દરમિયાન જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવાઓમાં જ ફરજ પર રહેશે, જ્યારે રૂટિન ઓપીડી અને અન્ય સેવાઓ અસરગ્રસ્ત થવાની શક્યતા છે.
જુનિયર ડોક્ટર એસોસિએશને આરોપી જયદીપ ચાવડાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી કડક માગણી કરી છે, જેથી સમગ્ર ઘટનાની સ્પષ્ટતા થાય અને દોષિત સામે કડક કાર્યવાહી થાય. બીજી તરફ, પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 29 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં ડૉ. પાર્થ પંડ્યા ઉપર મારામારીનો બનાવ બન્યો હતો, જેના CCTV દૃશ્યો સામે આવતા તબીબી જગતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ડોક્ટરોની સલામતી મુદ્દે હવે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન પર હુમલો: જુનિયર ડોક્ટરોની હડતાલ, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ


