રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ૧,૩૫૦ દબાણકર્તાઓનું હિયરિંગ શરૂ, આજે ૫૯૦ લોકોને બોલાવાયા
રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા દબાણોના મુદ્દે તંત્ર દ્વારા હિયરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે કુલ ૧,૩૫૦ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી આજે પ્રથમ તબક્કામાં ૫૯૦ લોકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.
હિયરિંગ દરમિયાન દબાણકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ જંત્રી મુજબ મકાન અને દુકાન ખરીદવા માટે તૈયાર છે. પોતાના દાવાને સમર્થન આપવા માટે તેઓ લાઈટ બિલ, વેરા બિલ સહિતના દસ્તાવેજો સાથે હાજર રહ્યા હતા.
દબાણકર્તાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના પ્રશ્નોનું યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ નહીં આવે તો આગામી ૧૦ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે દિલ્હી સુધી અવાજ ઉઠાવશે. આ મુદ્દે દબાણકર્તાઓનો આક્રમક વલણ જોવા મળ્યું છે.
જંગલેશ્વર વિસ્તારના દબાણ મુદ્દે શરૂ થયેલી હિયરિંગ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, ત્યારે તંત્ર દ્વારા લેવાતો અંતિમ નિર્ણય મહત્વનો બની રહેશે.


