રાજકોટ શહેરની સૌથી જૂની અને ઐતિહાસિક મુખ્ય બજાર આજે અડધો દિવસ બંધ રહેશે. શહેરના લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી મુખ્ય બજારોમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા દબાણ અને વ્યવસ્થાના મુદ્દે વેપારીઓમાં ભારે નારાજગી છે. પાથરણા વાળા દ્વારા રસ્તા ઉપર કરવામાં આવતા દબાણને કારણે વાહનવ્યવહાર તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું વેપારીઓનું કહેવું છે.
વેપારીઓ દ્વારા આ બાબતે વારંવાર મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ સ્થાયી અને અસરકારક નિરાકરણ ન આવતાં વેપારીઓએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે દબાણના કારણે દુકાનો સુધી ગ્રાહકો પહોંચી શકતા નથી અને વેપારને પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.
આ મુદ્દે આજે સૌથી જૂની બજારના વેપારીઓ એકજૂથ થઈ અડધો દિવસ બંધ પાળશે અને તંત્રનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરશે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ કડક આંદોલન કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.
રાજકોટ : સૌથી જૂની મુખ્ય બજારમાં દબાણ મુદ્દે વેપારીઓનો અડધો દિવસ બંધ


